ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.
ગણદેવી તાલુકા દરિયા ગામની કિનારા સ્થિત ભાટ સરકારી પ્રાથમિક વિદ્યામંદિર વર્ષોથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ કરતી આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગાંધીનગર GCERT દ્રારા ઘરમપુર ખાતે દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાએ A COMPLETE DIGITAL FARMING પ્રોજેક્ટ રજુ કર્યો હતો જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો.
હવે શાળા જૂનાગઢ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. સમગ્ર પ્રોજેક્ટને આકાર આપનાર વિજ્ઞાન શિક્ષક પિયુષ ટંડેલ અને બાળવૈજ્ઞાનિક કુ.ભૂમિ ટંડેલ અને કુ.જયેષ્ઠાન ટંડેલને શાળાના આચાર્ય કલ્પેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી મનીષ પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલે શુભેચ્છાઓ પાઠવી હતી.


Comments
Post a Comment