ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ: શિક્ષણના કર્મયોગીનું વય નિવૃત્તિ સન્માન નારણપોર પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીના શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનો અને બાળકો દ્વારા શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષિકાને સ્નેહભર્યું સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની 36 વર્ષ, 6 માસ અને 8 દિવસની શિક્ષણજગતની અવિરત સેવાને યાદ કરવામાં આવી. જીવનયાત્રા અને શિક્ષણની શરૂઆત શ્રીમતી સુશીલાબેનનો જન્મ 1966માં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ વંકાલ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ વંકાલ હાઇસ્કૂલમાં મેળવ્યું. 1983માં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે P.T.C.ની પદવી પ્રાપ્ત કરી, તેમણે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં પગલાં માંડ્યાં. શિક્ષણની પ્રેરણાદાયી કારકિર્દી સુશીલાબેનની શિક્ષણ યાત્રા 22 ડિસેમ્બર, 1988ના રોજ આગ્રીપાડા પ્રાથમિક શાળા, તા. ઉમરગામ, જિ. વલસાડથી શરૂ થઈ, જ્યાં તેમણે 9 વર્ષ, 11 માસ અને 26 દિવસ સેવા આપી. ત્યારબાદ 19 ડિસેમ્બર, 1998થી વાવ પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીમાં 23 વર્ષ, 11 માસ અને 6 દિવસ ફરજ બજાવી...