ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Gandrvi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.
સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.
જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે.
હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Comments
Post a Comment